મ્યુચ્યુઅલ ફંડ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> મ્યુચ્યુઅલ ફંડ   >> ખોટા નિર્ણયોથી બચો

ખોટા નિર્ણયોથી બચો

આવો, સંપત્તિના સર્જન માટેનું રહસ્ય સમજીએ. આ રહસ્ય બાબત મોટાભાગના રોકાણકર્તાઓ અજાણ છે. રોકાણના સુંદર ફળ પ્રાપ્ત કરવા સર્વશ્રેષ્ઠ શેર/ફંડ વગેરેની પસંદગી કરવા કરતાં વધુ મહત્વનું એ છે કે મોટી ભૂલો કરતા અટકો. બીજી રીતે જોઈએ તો મોટાભાગના રોકાણકારો દ્વારા સામાન્ય રીતે જે ભૂલો થતી હોય છે તેનાથી તમો બચો.

રોકાણકાર દ્વારા જે ગંભીર પ્રકારની ભૂલો કરવામાં આવે છે અને લાંબા સમયે રોકાણોની સિદ્ધિ કે કામગીરી ઉપર જેની નિર્ણાયક અસર થતી હોય છે તેની ચર્ચા કરીએ. ખોટા ખ્યાલોને કારણે થતી ભૂલો આપણી સંપત્તિનું ધોવાણ કરી નાખે છે. આ ભૂલોને સમજી તેના ઉકેલ માટે આપણે આગળ ચર્ચા દ્વારા પોતાના નિયમો ઘડી કાઢી તેને ચુસ્તપણે વળગી રહેશું - જે લાંબાગાળાના સંપત્તિ સર્જનમાં મહત્વનો ભાગ ભજવશે.

(૧) સચોટ ટીપને અનુસરવાનું:
ઘણી વખત બનતું હોય છે કે રોકાણકર્તા માર્કેટમાંથી મળેલ Hot Tips ઉપર મદાર રાખતો હોય છે. આ ટીપ મિત્રો, સગા, સંબંધીઓ કે શેર દલાલ વિગેરે પાસેથી મળતી હોય છે. આપનાં રોકાણના નિર્ણય માટે તેઓ ઉપર વિશ્વાસ રાખીએ છીએ કેમ કે આપણે માનતા હોઈએ છીએ કે તેઓએ ભૂતકાળમાં સારા પૈસા બનાવ્યા છે. “સચોટ” ટીપનું સાચું પડવું તે આપણાં “સ્માર્ટ હીરો” ઉપરનો વિશ્વાસ આંધળો કરી નાખે છે. પરંતુ આવા હીરોની ભવિષ્યવાણી કાયમી સાચી પડતી હોતી નથી. મોટાભાગે નસીબ જ યારી આપતું હોય છે. બને છે એવું કે પહેલાં આપણે અખતરા માટે નાની રકમના રોકાણથી શરૂઆત કરેલ હોય છે, જે બે-ચાર ટીપ્સ સાચી પડવાથી - તેના ઉપર વિશ્વાસ વધી જવાથી અને ઝડપથી સંપત્તિ પ્રાપ્ત કરવાની લાલચ થી આપણો રોકાણનો હિસ્સો ઘણો વધારી દીધો હોય છે. જેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે.
 • શું કરવું જોઈએ:
 • રોકાણ માટેનો નિર્ણય પૂરતો અભ્યાસ કર્યા બાદનો જ અને તે પણ આપણો પોતાનો જ હોવો જોઈએ. ‘હોટ ટીપ’ કે ‘અંદર કા મામલા હૈ’ ની જેમ Inside News ઉપર ક્યારે પણ મદાર રાખવો નહીં.

  (૨) ટૂંકા ગાળા માટેનું રોકાણ:
  ઈક્વિટીમાં ટૂંકા ગાળા માટેનું રોકાણ તે બીજી મોટી ભૂલ છે. ઘણી વખત જોવામાં આવેલ છે કે રોકાણકારના રોકાણનો સમય ૨ થી ૪ અઠવાડિયાથી લઇને ૬ થી ૮ મહિનાઓનો હોય છે. એટલે કે તેઓની અપેક્ષા મુજબનું વળતર આપવામાં ‘રોકાણ’ નિષ્ફળ જાય તો થોડા અઠવાડિયા કે થોડા મહિનાઓમાં રોકાણ પાછું ખેચી લેવાની શક્યતા હોય છે. ઘણી વખત સામાન્ય ઘર ખર્ચ વિગેરે માટે પણ રોકાણકારો ‘લાંબાગાળા’ માટે રોકેલ નાણામાંથી જરૂરિયાત મુજબ પૈસા ઉપાડતા નજરે પડે છે.આમ રોકાણને લાંબા ગાળે મોટું વળતર આપતાં રોકે છે. સામાન્ય રીતે રોકાણકારોમાં લાંબા ગાળાની ઈનીંગ્સ રમવા માટેની ધીરજનો અભાવ જોવા મળે છે.સાદી ભાષામાં કહીએ તો આ રોકાણ માટેના સમયની બરબાદી છે - કિંમતી સમય વેડફવાની વાત છે. લાંબાગાળાનું રોકાણ જ “Power of Compounding” ની અદ્દભુત તાકાતને કારણે ખાસ્સું વળતર આપતું હોય છે. લાંબાગાળાના રોકાણના અપેક્ષિત વળતરની ગણતરી કરી શકાય છે અને તેને તમારા ગોલ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ બાબત ટૂંકાગાળાના રોકાણમાં શક્ય નથી. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે સેન્સેકસની ઉત્પત્તિના ૨૬ વર્ષમાં સેન્સેક્સે તેની શરૂઆતથી ૨૬ વર્ષોમાં વાર્ષિક વળતર ૧૮% થી પણ વધુ આપેલ છે અને આ રીતે ખરેખર લાંબાગાળાના રોકાણકર્તાને કયારે પણ અફસોસ કરવાનો વારો આવતો નથી.

 • શું કરવું જોઈએ:
 • સંપત્તિના ઉપાર્જન માટે રોકાણનો સમય વિસ્તારવો અને તમારા રોકાણને પાકવા માટે પુરતો સમય આપવો.

  (૩) નિપજેલ વસ્તુ જ ખરીદો: આપણાંમાંના મોટાભાગના લોકો માટે ‘રોકાણ’ કરી તેમાં લાંબાગાળાના સમય માટે રોકાઈ રહેવું મૂશ્કેલ હોય છે.આપણે હંમેશા નવા અને સારાં રોકાણ માટે નજર દોડાવતાં હોઈએ છીએ. ઘણી વખત રોકાણકર્તાઓને જે કંપની કે ફંડ ‘કહેવાતા આકર્ષક’ લાગતા હોય, ટી. વી. ચેનલ/ન્યુઝ પેપરમાં જે ચર્ચામાં હોય તેવા જ શેર કે ફંડમાં જ રસ પડતો હોય છે. આવા રોકાણકર્તા આ પ્રકારના શેર કે ફંડ થી અંજાઈને તેના વિકલ્પોની અવગણના કરતાં હોય છે. ઘણી વખત સારા શેર કે ફંડ વર્ષોથી સતત સારું વળતર આપતાં હોય છે. તેમ છતાં ‘લાઈમ લાઈટ’ કે લોક ચર્ચામાં ન હોય, રિટેઈલ રોકાણકર્તાઓનું ધ્યાન તેના પર પડતું હોતું નથી. તેઓ આ પ્રકારના ‘શેર’ કે ‘ફંડ’ ને રોકાણ માટે ઓછા આકર્ષક કે ઓછા ઉપયોગી માનતા હોય છે.આપણા રોકાણનો નિર્ણય, અંગત રીતે જે તે શેર કે ફંડ ગમે છે, તે આપણી પસંદગીના છે, તેના પ્રત્યે લગાવ છે. વિગેરે કારણોસર લેવો જોઈએ નહીં. થોડા સમય માટે વધુ ઉંચુ વળતર આપતા શેર કે ફંડ કરતાં લાંબા સમયથી સતત એકધારું સારું વળતર આપતા શેર કે ફંડમાં રોકાણ કરવું વધુ હિતાવહ છે કેમ કે તેના ભાવમાં પ્રમાણમાં ઓછી ચઢાવ ઉતાર આવતી હોય તે ઓછા જોખમી હોય છે.

 • શું કરવું જોઈએ:
 • રોકાણ સમયે તમારી અંગત ‘પસંદગી - ના પસંદગી’ કે ફક્ત ભુતકાળનું વળતર જ લક્ષમાં ન લેતાં, તે ઉપરાંત હાલની અને ભવિષ્યની શકયતાઓ પણ લક્ષમાં લેવી જોઈએ.

  (૪) યોગ્ય વહેંચણી ન કરવી:
  મોટા ભાગના રોકાણકર્તાઓની બીજી મુખ્ય ભૂલ એ હોય છે કે પોતાના રોકાણની વિવિધતા (diversification) પ્રત્યે ઉદાશ હોય છે કે જરૂરિયાત મુજબ અને જરૂરિયાત જેટલો વહેંચણીમાં ફેરફાર કરતાં નથી હોતાં. પોર્ટફોલીયોમાં વિવિધતા ન હોય તો નુકશાની મોટી થવાની શકયતા વધી જતી હોય છે. થોડા ચુંટેલા સ્ટોક કે ફંડમાં તમારું ભવિષ્ય બંધાય જાય છે. અલગ-અલગ લેવલ ઉપર સંપત્તિની વહેંચણી અગત્યની છે.

  સંપત્તિના પ્રકારમાં વિવિધતા: જેમ કે ઈક્વીટી (શેર, ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ વગેરે) : ડેટ (બેંક એફ. ડી., પી. પી. એફ., એન. એસ. સી. પોસ્ટ ઓફિસ એમ. આઈ. એસ, જમીન-મકાન જેવી ફીઝીકલ સંપત્તિ વિગેરે વિગેરે)

 • રોકાણના પ્રકારમાં વિવિધતા:
 • જેમ કે ડાયવર્સીફાઈડ ઈક્વીટી ફંડ, ડાયરેકટ ઈક્વીટી (શેર) માં રોકાણ, ELSS ફંડ, સેકટર ફંડ, બેંક ડીપોઝીટ, લીકવીડ – ફ્લોટીંગ કે ગીલ્ટ ફંડ, બોન્ડ, ડીબેન્ચર વિગેરે વિગેરે.

  અન્ય પ્રકારની વિવિધતા: ઇન્ડસ્ટ્રીઝ કે સેકટર: (કોઈ કંપની ગ્રુપ કે કોઈ એક જ પ્રકારના ધંધામાં જોડાયેલ કંપનીઓ)માર્કેટ કેપીટાલાઈઝેશન: (લાર્જકેપ, મિડકેપ, સ્મોલકેપ કંપની વિગેરે)AMC અગર ફંડ હાઉસ: જેમ કે રીલાયન્સ કે એચ. ડી. એફ. સી. ફંડ હાઉસ.રોકાણની સ્ટાઈલ: ફંડ હાઉસની રોકાણ કરવાની સ્ટાઈલ.

 • શું કરવું જોઈએ:
 • રોકાણકર્તાએ જરૂરિયાત પ્રમાણેનું અને એટલું મોટું પણ નહીં કે જેથી તેણે વ્યવસ્થિત સંભાળવું મુશ્કેલ પડે તે મુજબ ઉપરોક્ત બાબતોને લક્ષમાં લઈને વિવિધતાપૂર્વક પોતાનું રોકાણ કરવું જોઈએ. ‘દરેક ઈંડા એક બાસ્કેટમાં ન મૂકવાની’ જૂની કહેવત મુજબ એક જ જગ્યાએ રોકાણ કરવું જોઈએ નહીં.

  (૫) લાગણીઓ મિશ્રિત રોકાણનાં નિર્ણયો:
  રોકાણનાં નિર્ણય સમયે અજાણતાં જ આપણી માન્યતાઓ કે લાગણી તેમાં ભળી જતી હોય છે. ઘણી વખત ‘ભય-લાલચ-આશા’ વિગેરે થી દૂર રહેવું મુશ્કેલ હોય છે. અને તેથી જ લાગણીઓ મિશ્રિત રોકાણના નિર્ણયો નીચે મુજબ ખોટા અગર ખોટા સમયે લેવાઈ જતાં હોય છે.

  ભય:   શેરના ભાવ ઓછા હોય ત્યારે હજુ ઘટવાના ભય ને કારણે ખરીદતાં નથી હોતા.
  લાલચ:  શેરોના ભાવ વધી ગયા હોય ત્યારે ‘બીજા લોકો તેમાં કમાઈ ગયા અને આપણે રહી ગયા’ ની લાલચ સાથે તેમાં નવી ખરીદીનો અગર જો આપણી પાસે હોય તો ‘હજુ ભાવ વધશે’ ની લાલચને કારણે ન વહેંચવાનો ખોટો નીર્ણય લેતાં હોય છે.
  આશા:   આપણી પાસે રહેલા શેરનો ભાવ ફરી તેના સર્વોચ્ચ ઉચાઇએ પહોંચશે.ફક્ત તે આશાએ ન વહેંચવા.
  આ રીતે રોકાણની બાબતમાં કદાચ ‘લાગણીઓ’ સૌથી મોટો દુશ્મન બનતી હોય છે. હોંશિયાર રોકાણકર્તા કયારેય પણ ‘લાગણીઓની’ માયાજાળમાં ફસાતો નથી અને જરૂરિયાત મુજબ ગમે તેવા મોટાં નીર્ણયો દ્રઢ પણે લઈ શકે છે.

 • શું કરવું જોઈએ:
 • લાગણી રહિતના તાર્કીક અને સત્ય આધારીત નીર્ણય લેવા જોઈએ કે જેમાં લગાઉ અને ખોટી તરફદારી (Favoritism) ન હોવું જોઈએ.

  (૬) માર્કેટ અંગે ભવિષ્યવાણી:
  તમો નસિબદાર હોય શકો છો પરંતુ કાયમ ઈક્વીટી માર્કેટમાં અવ્વલ નંબર ઉપર રહી શકતાં નથી . માર્કેટ સતત બદલાતી રહેતી હોય છે અને તે જરૂરી નથી કે ટૂંકાગાળા માટે તાર્કીક રીતે ચાલે. ઘણા અલગ-અલગ લાગણી સહિતના સંજોગો ભાવની ચાલમાં ભાગ ભજવતા હોય છે કે જેના કારણે ટૂંકાગાળા માટેની માર્કેટની ચાલ ભાખી શકતી નથી. આ કારણે કાયમ સિક્કાને સતત ઊછાળતા રહી ‘કિંગ-ક્રોસ’ની રમત જેવું બની રહેતું હોય છે કે જેમાં તમો અર્ધો સમય સાચા પડો અને બાકીનો સમય ખોટા. અભ્યાસ ઉપરથી એવું તારણ કાઢવામાં આવેલ છે કે તમારા લાંબાગાળાના રોકાણના વળતરમાં ‘ટાઈમીંગ ધ માર્કેટ’ નો ફાળો ફક્ત ૨% જેવો મામૂલી હોય છે. તેમ છતાં લોકો ‘રોકાણના સર્વોત્તમ સમય’ માટે વ્યર્થ પ્રયત્ન કરવામાં સમય અને શક્તિનો બગાડ કરતાં હોય છે. રોકાણની બાબતમાં ‘રોકાણકાર’ તથા ‘લે-વેચ કરનાર’ વચ્ચે સ્પષ્ટ ભેદ દોરવામાં આવેલ છે કે જેમાં 'લે-વેંચ કરનાર' ટૂંકાગાળા માટેનું અને ‘રોકાણકાર’ લાંબાગાળા માટેનું રોકાણ કરતાં હોય છે.

 • શું કરવું જોઈએ:
 • ચતુર રોકાણકાર બનો અને ‘રોકાણના સર્વોત્તમ સમય’ માટે સમય-મહેનતની બરબાદી ન કરો. ‘It is the time that matters and not the timing.’ રોકાણ માટે જરૂરી છે લાંબો સમય - કયો સમય તે નહીં.

  (૭) જરૂરિયાત મુજબ સંપત્તિની વિવિધતાની ખામી:
  મોટાભાગે આપણે ‘ઈક્વીટી’ માં કરેલ રોકાણ અંગે કાયમી સતત ચિંતીત રહેતા હોઈએ છીએ અને વારંવાર તે જોવા અને ફેરફાર કરવા માટે પ્રેરાતા હોઈએ છીએ. પરંતુ આપણે આપણાં ‘કુલ મૂડી રોકાણ’ વિશે ભાગ્યે જ વિચારતા હોઈએ છીએ કે જેમાં પી. પી. એફ., બોન્ડ, સોનું, સ્થાયી અસ્કયામત, પોતાનું મૂડી રોકાણ, બેંક ડીપોઝીટ, વિમો, પોસ્ટલ સેવીંગ વિગેરે વિગેરેનો સમવેશ થથો હોય છે. મિત્રો, નવાઈ લાગશે કે ભારતીય રોકાણકારનું શેરમાં થયેલ સરેરાશ રોકાણ, કુલ રોકાણનો ફક્ત ૨% હિસ્સો જ ધરાવે છે. આમ જે બાબત અંગે આપણે ચિંતીત હોઈએ છીએ. તે હકીકતમાં ખૂબ નાનો ભાગ હોય છે.

  રોકાણકર્તા તરીકે ખરેખર લાંબાગાળાની સંપત્તિ બનાવવા માટે આજથી ‘સંપત્તિની યોગ્ય વહેંચણી’ માટેની કાળજી લેવાનું શરૂ કરી ધ્યો કે જેમાં તમારા દરેક પ્રકારના રોકાણનો સમાવેશ થઈ જતો હોય. લાંબાગાળાની સંપત્તિ ઉપાર્જન માટે તેની ‘યોગ્ય વહેંચણી’ નો ફાળો ૯૨% થી પણ વધુ રહેલો છે. શેમાં રોકાણ કરવું તેનો ફાળો ૬% નો જ છે ! ‘સંપત્તિની યોગ્ય વહેંચણી’ સારાયે વિશ્વમાં પ્રચલિત અને સ્વીકારેલ અકસીર પધ્ધતિ છે અને તેથી સંપત્તિના ઉપાર્જન માટે ‘માર્કેટ ટાઈમીંગ’ અને ‘સ્ટોક સિલેકશન’ના મહત્વ કરતા ‘સંપત્તિની યોગ્ય વહેંચણી’ નું મહત્વ અનેકગણું છે.

 • શું કરવું જોઈએ:
 • આજે જ તમારી સંપત્તિની ‘યોગ્ય વહેંચણી’ કરવાનું શરૂ કરી ધ્યો અને સંપત્તિવાન બનવું તે નિયમને ચુસ્તપણે વળગી રહો.

  સફળ રોકાણકર્તાઓ અને નિષ્ણાંતો ઉપરોક્ત ભૂલો કરવાથી હંમેશા દૂર રહેતા હોય છે અને શિરસ્તતા પૂર્વક પોતાના લાંબાગાળાના ધ્યેયને વળગી રહેતા હોય છે. તેઓને પોતાની સમજણમાં વિશ્વાસ હોય છે અને બીજાની વાતોથી દોરવાતા નથી હોતા. આ પ્રમાણે આપણે પણ રોકાણકર્તા તરીકે ‘ભૂલો’ થી દૂર રહેવું અને શિસ્તબધ રહી આપણાં નિર્ણયને વળગી રહેવું જરૂરી છે. ‘Slow and Steady wins the race.’ કહાવતમાં વિશ્વાસ રાખી આપણાં રોકાણ માટેની યોજનામાં તેને ઉપયોગી બનાવો.

  પૈસો કમાવવાનું ગમે તેટલું મુશ્કેલ હોય, તેને બચાવવાનું વધુ મુશ્કેલ છે અને તેનાથી પણ વધુ મુશ્કેલ છે તેને યોગ્ય રીતે રોકાણ કરવાનું.