ફાયનાન્શીયલ પ્લાનીંગ

સોનામાં રોકાણ

ઈતિહાસ તપાસતા માલૂમ પડશે કે સોનામાં કરેલ રોકાણ ‘પૈસા બનાવવા કરતાં પૈસા ન ગુમાવવા માટેની’ મહાન તાકાત ધરાવે છે. સોનાની ઓળખ માટેનું આ મોટામાં મોટું પ્રમાણપત્ર છે.
-ટીમોથી ગ્રીન
સોનું વ્યાજ કે ડિવિડન્ડ રૂપી વળતર આપતું નથી. તમો જે મૂલ્ય-કીમત ચૂકવો છો તે સ્વસ્થતાકે શાંતિ મેળવવા માટે ચુકવો છો.
-પિયર લેસોન્ડ
સોનું એક પ્રકારની વેપારની જણસ (કોમોડીટી) છે અને બીજી બધી કોમોડીટીઝની જેમ તેના ભાવની વધઘટ થતી રહેતી હોય છે. પરંતુ આ ‘સાયકલ’ અન્ય વસ્તુઓ કે સંપત્તિનાં પ્રમાણમાં વધુ લાંબી ચાલતી હોય છે.

નજીકના સમયગાળામાં સોનાના ભાવમાં ધ્યાનાકર્ષક ઉંછાળા બે વખત આવેલ છે. ૧૯૭૬ માં એક અંશનો ભાવ ૧૦૦ ડોલરથી વધી ફક્ત ૪ વર્ષમાં ૮૫૦ ડોલર થયેલ. ત્યારબાદ ધીમે ધીમે ઘટીને તે ૨૫૦ ડોલર સુધી પહોંચ્યો. બીજી તેજી ૨૦૦૧ માં શરૂ થઇ અને માર્ચ-૨૦૦૮ સુધીમાં ભાવ ૧૦૩૨ ડોલર થયા.

સોનાનો ભાવ જ્યારે ૧૦૦૦ ડોલરને સ્પર્શયો ત્યારે લોકોએ તેની નોંધ લીધી. ૧ વર્ષ પહેલાના ૬૮૦ ડોલરના ભાવ સામે આ વળતર ખૂબ આકર્ષક લાગે છે. ૫ વર્ષ પહેલાનાં ૩૫૦ ડોલરના ભાવના રોકાણ સામે પણ આ વળતર સારું લાગે, પરંતુ ૧૯૮૦ ના ૮૫૦ ડોલરના રોકાણના ૨૮ વર્ષ બાદનો ભાવ ૧૦૩૨ ડોલર જરૂર નિરાશ લાગે છે.

બીજી રીતે જોઈએ તો ૧૯૯૨, જાન્યુઆરીમાં સેન્સેક્સ જ્યારે ૧૯૬૯ હતો તેની સામે સોનાનો ભાવ ૩૫૧ ડોલર હતો. ૨૦૦૮, જાન્યુઆરીમાં સેન્સેક્સ જ્યારે ૨૦૪૬૫ થયો ત્યારે સોનાનો ભાવ ૮૪૭ ડોલર પ્રતિ અંશે પહોંચ્યો. આમ આ ૧૬ વર્ષના સોના દ્વારા અપાયેલ ૧૪૧.૩૧% ના સાદા વળતર (Absolute return) સામે સેન્સેક્સે ૯૩૯.૩૬% જેવું ઘણું ઉંચું વળતર આપેલ છે.

આમ લાંબા ગાળાના વળતરની વાત આવે ત્યારે સોનામાં કરેલ રોકાણ કયારે પણ શેર માર્કેટનું પુરક ન બની શકે કારણ કે ઉત્પાદક સ્ત્રોત નથી.

‘દુનિયામાં ૩૦૦ થી પણ વધુ અગ્રગણ્ય અર્થશાસ્ત્રીઓ સોનાના રોકાણ ની વિરૂધ્ધમાં છે અને તેઓ માને છે કે સોનું તે અવશેષ-યાદગીરી કે સ્મૃતીચિહ્નથી વિશેષ કાંઈ નથી અને તેઓ કદાચ સાચા હશે, પરંતુ કમનસીબે દુનિયામાં કરોડો લોકો છે કે જેઓ સોનામાં અતુટ વિશ્વાસ ધરાવે છે અને સોનાના રોકાણમાં માને છે.
- જેનોસ ફેકેટ.
ઉપરની હકીકત પણ સત્ય છે તો શું કરવું જોઈએ ?

જવાબ છે કે ફક્ત ધૂન કે તરંગને કારણે રોકાણ કરવું હિતાવહ નથી. સોનાનું રોકાણ સંપત્તિના યોગ્ય સંતોલનના એક ભાગરૂપે કરવું જોઈએ. દુનિયામાં જ્યારે જ્યારે ભયનું સામ્રાજ્ય ફેલાતું હોય છે ત્યારે સોનું રાજ કરતું હોય છે. આમ તેને કટોકટી કે અતિ વિષમ પરિસ્થિતિ સમયે નુકશાનીના રક્ષક તરીકે સ્વીકારવામાં આવેલ છે. સોનાના રોકાણને ખૂબ જ ઉપયોગી ‘વ્યુહાત્મક સંપત્તિ’ તરીકે માનવામાં આવે છે.

જ્યારે તમો સોનામાં રોકાણનો નિર્ણય કરો તે ઉપરોક્ત હકીકતોને લક્ષમાં લીધા બાદ ગણતરી પૂર્વકનો હોવો જોઈએ. સોનું તમારી કુલ સંપતિનો એક નાનો એવો ભાગ હોવો જોઈએ.

સોનામાં રોકાણનો સરળ રસ્તો :

તમારા કુલ રોકાણના ૫% સુધીનું રોકાણ સોનામાં ન થયેલ હોય ત્યાં સુધી થોડું થોડું સોનું ખરીદતાં હોય કે જે સલામતીરૂપે ઉપયોગી બને છે. જો આપની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં રોકડ પડી રહેતી હોય તો કુલ રોકાણના ૧૦% સુધીનું સોનામાં રોકાણ કરી શકાય છે.

આજના જમાનામાં સોનાનું રોકાણ ETF – ‘એક્સચેન્જ ટ્રેડેડ ફંડ’ દ્વારા સરળતાથી થઇ શકે છે. ડીમેટ એકાઉન્ટમાં તમોએ ખરીદેલ સોનાનો જથ્થો જમા દર્શાવવામાં આવે છે. તમો સ્ટોક એક્સચેન્જમાં જે તે દિવસના માર્કેટ ભાવે સોનાનું ખરીદ/વેચાણ કરી શકો છો. આ પ્રકારના ઘણાં ફાયદા છે જેમ કે ખરીદ/વેચાણ કરતી વખતે સોનાની શુધ્ધતા, ભાવ, વજન વિગેરે બાબતોમાં તમારે છેતરાવાનો ભય નથી રહેતો. ઉપરાંત સોનાને સાચવવાની ચિંતા કે જવાબદારી રહેતી નથી. નાના જથ્થાની પણ ખરીદી કે વેચાણ કરી શકો છો. થોડા સમયમાં આ જ પ્રમાણે ચાંદીનું રોકાણ પણ શક્ય બનાવવાના પ્રયાસ ચાલુ છે. આ એક ખૂબ જ સુંદર પધ્ધતિ છે.

ઈ.ટી.એફ. દ્વારા સોનામાં રોકાણ કરી ૧ વર્ષ બાદ વહેચવામાં આવે ત્યારે વળતરને લોન્ગટર્મ કેપીટલ ગેઈન્સ ટેક્ષ લાગુ પડે છે. જ્યારે સોનામાં સીધું રોકાણ કરેલ હોય તેના વળતરને આ લાભ નથી. જેથી ઉંચા સ્લેબમાં ટેક્ષ ભરનારને ઈ.ટી.એફ. દ્વારા રોકાણમાં ટેક્ષનો પણ વધારાનો ફાયદો રહે છે.