ફાયનાન્શીયલ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> ફાયનાન્શીયલ પ્લાનીંગ   >> ફાયનાન્શીયલ પ્લાનીંગ એટલે શું?

ફાયનાન્શીયલ પ્લાનીંગ એટલે શું?

ફાયનાન્શીયલ પ્લાનીંગની કોઈ ખાસ વ્યાખ્યા નથી. તેને કોઈ બાબતની સીમા પણ લાગુ પડતી નથી. ફાયનાન્શીયલ પ્લાનીંગની પ્રવૃત્તિની પ્રક્રીયા અગત્યની છે તેમને આપેલ નામ નહીં. દરેક વ્યક્તિને પૈસાની જરૂરિયાત હોય છે. જીવન સરળતાથી ગુજારવા માટે દરેક પગલે પૈસાની જરૂરિયાત ઉભી થતી હોય છે. અમુક રકમ પરંપરાગત રીતે આવતી હોય છે. પરંતુ તે રકમ દરેક જરૂરિયાતને પહોંચી વળવા પુરતી ન હોઈ શકે. આ સમયે ફાયનાન્શીયલ પ્લાનીંગ મદદરૂપ બને છે. ફાયનાન્શીયલ પ્લાનીંગથી જરૂરિયાત સમયે અન્ય પાસે મદદ માટે જવાની જરૂર રહેતી નથી. વધુ સ્પષ્ટતા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈએ:
 • ફાયનાન્શીયલ પ્લાનીંગ એક સરળ પ્રક્રિયા છે.

 • સામાન્ય માણસ પણ સમજી શકે છે કે ફાયનાન્શીયલ પ્લાનીંગ એટલે શું અને તે કઈ રીતે કરી શકાય.

 • ફાયનાન્શીયલ પ્લાનીંગ સમજવા માટે નાણાંકીય બાબતો અંગેની ઊંડી જાણકારી જરૂરી નથી.

 • ફાયનાન્શીયલ પ્લાનીંગ એ ‘સતત પ્રક્રિયા છે’. અપેક્ષિત પરિણામો મેળવવા પ્લાનીંગની પ્રક્રિયા સતત ચાલુ રાખવી જરૂરી છે. એક વખતનાં પ્રયત્નથી ધાર્યા પરિણામો ન મેળવી શકાય એટલા માટે પ્રક્રિયાને વચ્ચેથી અટકાવી ન દેવી જોઈએ.

 • ફાયનાન્શીયલ પ્લાનીંગ એ લાંબાગાળાનું આયોજન હોઈ તેના પરિણામો તુરંત મળતા નથી. તેની સાફળતાનો ગુરૂમંત્ર છે ‘ધીરજ અને શ્રધ્ધા’. જ્યારે ગોલ પુરાં થાય ત્યારે તેની સફળતાનો આનંદ-સંતોષ કલ્પનાતીત હોય છે.

 • ફાયનાન્શીયલ પ્લાનીંગની જરૂરિયાત મુજબ અને ખાસ સંજોગોને આધિન ફેરફારને પાત્ર છે.

 • ફાયનાન્શીયલ પ્લાનીંગ તે ફક્ત પૈસાની કે નાણાંકીય બાબત નથી. તે મુખ્ય ધ્યેય હોવા છતાં તે એકમાત્ર ઉદ્દેશ બની રહેતો નથી. જેમ કે નિવૃતિના પ્લાનીંગ સમયે કે વિલ તૈયાર કરવા માટે માનવીય લાગણી-પ્રવૃતિ વગેરે અંગે પણ વિચાર કરવામાં આવે છે.

 • ફાયનાન્શીયલ પ્લાનીંગની પ્રક્રિયા વ્યક્તિને ઉજળા ભવિષ્ય તરફ દોરી જવામાં મદદરૂપ બને છે.

 • ફાયનાન્શીયલ પ્લાનીંગ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જે ભૂતકાળમાં ઉપલબ્ધ ન હતી.

 • ‘ફાયનાન્શીયલ પ્લાનીંગ’ અંગે ખોટી માન્યતા પ્રવર્તે છે કે તે ફક્ત શ્રીમંત લોકો માટે જ જરૂરી છે. આ માન્યતા સત્યથી તદ્દન વિપરીત છે. હકીકતમાં જેઓ ખૂબ શ્રીમંત નથી તેઓ માટે ફાયનાન્શીયલ પ્લાનીંગ વધુ જરૂરી છે કારણ કે ફાયનાન્શીયલ પ્લાનીંગ તેમની ભવિષ્યની સંપતિ વધારવામાં તેમજ જુદા જુદા ગોલ પુરા કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. મોટા ભાગના લોકોની સામાન્ય માન્યતા મુજબ તેઓને શંકા કે ડર રહેતો હોય છે કે પોતાની પાસેની બચત ફાયનાન્શીયલ ગોલ માટે પૂરતી બની રહેશે ! હકીકતે કોઈપણ વ્યક્તિ ખૂબ જ નાની રકમથી પણ પ્લાનીંગને અમલમાં મૂકી શકે છે. નિયમિતતા તથા શિસ્તપાલન ફાયનાન્શીયલ પ્લાનીંગની સફળતાના મુખ્ય પાયાઓ છે. રોકાણને વૃધ્ધિ પામવા પૂરતો સમય મળી રહે તે માટે નાની ઉંમરથી જ તેનો અમલ કરવો જોઈએ.


 • આજે લોકોનું જીવનધોરણ ધરમૂળથી બદલાઈ ગયેલ છે. જ્યારે જરૂરીયાત ઓછી હતી, સાદગીનો જમાનો હતો ત્યારે તે પૂરી કરવાનો રસ્તો પણ સરળ હતો. એક જમાનામાં ગણાતી ‘લકઝરી’ આજે જરૂરિયાત બની ચૂકી છે. માટે તે પૂરી કરવા બચત-રોકાણની પરંપરાગત પદ્ધતિ ઉપર અવલંબિત રહી ના શકાય. આપણા સ્વપ્નાઓ સાકાર કરવા માટે ‘ફાયનાન્શીયલ પ્લાનીંગ’ ને આધાર બનાવવો પડશે. ફાયનાન્શીયલ પ્લાનીંગ જીન્દગીની અનેક જટીલતાં કે આંટીઘૂંટીને દૂર કરશે અને આપને હળવા બનાવશે.કોઈ વ્યક્તિ ટેક્ષીમાં બેસે અને ટેક્ષીવાળો પૂછે કે તમારે કયાં જવું છે? અને તે જવાબ આપે કે મને તેની ખબર નથી. ટેક્ષીવાળો તેમને ઉતરી જવાનું કહેશે. અગર હાલનાં મોટા ભાગનાં ચાલાક ટેક્ષીવાળા કરતાં હોય છે તેમ પોતે પૈસા બનાવવા માટે મોટા મોટા ચક્કર લગાવતાં રહી મીટર ફરતું રાખશે.
 • આનો સીધો અર્થ એ થાય કે “જે લોકો પોતાના નાણાંકીય લક્ષ્ય જાણી અને તેને પુરા કરવા માટે સજાગ બની તે રસ્તે મહેનત નહીં કરે, તેવા લોકોની મહેનત બીજાને સમૃદ્ધ બનાવવા વધુ ઉપયોગી બની રહેશે.”
  આજનું સત્ય:-

  જીન્દગીના પ્લાનીંગ કરતાં વેકેશનમાં ફરવા જવાની પૂર્વ તૈયારી પાછળ લોકો વધુ સમય ફાળવતાં હોય છે.
  હે પ્રભુ ! મારા ઉપર કૃપા કરો કે, જે વસ્તુ કે પરિસ્થિતિ ક્યારે બદલી શકાય એવી ન હોય – તેને હું શાંતિથી સ્વીકારી લઉં; મને હિંમત આપો કે જે પરિસ્થિતિ કે વસ્તુ ને બદલવી શક્ય છે તેને હું બદલી શકું; અને મને વિવેક બુદ્ધિ આપો કે આ બે વસ્તુ કે પરિસ્થિતિ વચ્ચેના તફાવતને હું સમજી શકું.
  – રેઇન્હોલ્ડ નિબહર