રિટાયરમેન્ટ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> રિટાયરમેન્ટ પ્લાનીંગ   >> વીલ બનાવવા અંગેની આવશ્યક બાબતો

વીલ બનાવવા અંગેની આવશ્યક બાબતો

સામાન્ય રીતે ‘વીલ’ વિશે પ્રચલિત ખોટા ખ્યાલો એ છે કે તે જટિલ હોય છે. સ્ટેમ્પ પેપર ઉપર જ બની શકે. વકીલ દ્વારા જ બની શકે. ફેમીલીમાં પાછળથી ઝગડા થાય તેમ નથી તેથી વીલ બનાવવાની જરૂર નથી. વિગેરે વિગેરે.

હકીકતમાં પર્સનલ ફાયનાન્શીયલ પ્લાનીંગ માટે ‘વીલ’ ખૂબ જ અગત્યનો અને જરૂરી ભાગ છે અને તેથી જ દરેક પુખ્ત વયની વ્યક્તિનુ વીલ હોવું જ જોઈએ.

વીલ વિશે થોડું સમજીએ :-
(૧) જે વ્યક્તિનું વીલ હોય તેના મૃત્યુ બાદ જ તે વીલ અમલમાં મૂકી શકાય છે.
(૨) જીવન દરમ્યાન ગમે ત્યારે વીલમાં ફેરફાર કરી શકાય છે અગર પાછું ખેંચી શકાય છે કે કેન્સલ કરી શકાય છે.
(૩) ‘પાવર ઓફ એટર્ની’ વ્યક્તિ જીવીત હોય ત્યાં સુધી જ ઉપયોગમાં લઈ શકાય છે તેથી તે ‘વીલ’ નો પર્યાય ક્યારે પણ બની શકે નહીં. વીલની મદદથી તમારી મીલ્કતો તમારી ઇચ્છા મુજબ સગા-વ્હાલાં વચ્ચે વહેંચી શકો છો. વીલની મદદથી મીલ્કતો સહેલાઈથી ટ્રાન્સ્ફર થઈ શકે છે અને કારણ વગરનો વિવાદ, ખોટા ખર્ચ, વિલંબ અને માનસિક ત્રાસ દૂર રાખી શકાય છે.

વીલ કેવી રીતે બનાવવું?
(૧) ઈન્ક્પેન કે બોલપેનની મદદથી, હાથેથી લખેલું હોય તો પણ ચાલે પરંતુ ટાઈપ કરેલ હિતાવહ છે.
(૨) વીલ સાદા કાગળ ઉપર બનાવી શકાય છે. તે સ્ટેમ્પ પેપર ઉપર જ બનાવવું કે તેને રજીસ્ટર્ડ કરાવવું ફરજીયાત નથી.
(૩) વકીલ દ્વારા તૈયાર કરેલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચેક કરેલ વીલ હિતાવહ છે.
(૪) તમારી ઇચ્છા મુજબ મિલ્કતોની વહેંચણી કરવા તમારે વીલમાં એક કરતાં વધારે વહીવટકારો (executor/executrix) ની નિમણુંક કરવી જોઈએ.
(૫) નાની નાની ફીક્ષ રકમની ફાળવણી બાદ વધારાની મીલ્કતોના વારસદારને તેમનો ભાગ ‘પરસન્ટેજ’ માં આપવો કે જેથી ભવિષ્યમાં મીલ્કતોના ભાવમાં ફેરફાર થાય તો પણ તકલીફ ન પડે.
(૬) વીલ તૈયાર કરીને ઓછામાં ઓછા બે સાક્ષીની હાજરીમાં સહી કરવી જરૂરી છે. બંને સાક્ષીઓના નામ-સરનામા લખી વીલ બનાવનાર વ્યક્તિએ તેમની હાજરીમાં સહી કરેલ છે તેમ લખાવી સાક્ષીઓની સહી લેવી. એ ખ્યાલમાં રહે કે સાક્ષીઓને વીલની વિગત વાંચવી જરૂરી નથી.
(૭) વીલના વહીવટકારો (executor/executrix) અગર વીલના લાભાર્થીઓ સાક્ષી તરીકે વીલમાં સહી કરી ન શકે.
(૮) વીલના વહીવટકારો (executor/executrix) વીલના લાભાર્થી હોઈ શકે અને તેવી જ રીતે લાભાર્થી વહીવટદાર પણ હોઈ શકે.
(૯) વીલના દરેક પાના ઉપર સહી કરવી જેથી પાછળથી પાના ખોટી રીતે ઉમેરાય જવાની શક્યતા ન રહે.
(૧૦) જ્યાં કાંઈપણ નાનો સુધારો કરેલ હોય ત્યાં સહી કરવી જરૂરી છે. સાથે ત્યાં સક્ષીઓની સહીઓ પણ કરાવવી. વધુ પડતા સુધારા હોય તો ફરીથી જ તે લખવું / ટાઈપ કરાવવું.
(૧૧) ‘વીલ’ ની વધારાની કોપીઓમાં પણ તમારે સાથીઓની હાજરીમાં સહી કરી તેઓની પણ સહીઓ લેવી. જેથી ઓરીજીનલ વીલ ન મળે તો આ વ્યવસ્થિત રીતે સહીઓ કરેલ વીલ માન્ય રહે.
(૧૨) વીલને ‘સેઈફ’ જગ્યાએ રાખવું જેમ કે બેંક કે લોકરમાં અને તેમના વહીવટકર્તાઓને અને લાભાર્થીઓને આ બાબતથી માહિતગાર કરવા.
(૧૩) વર્ષે એક વખત વીલ ચેક કરવું અને આપણાં નાણાંકીય અને ફેમીલીના સંજોગોને અનુલક્ષીને જરૂરીયાત મુજબ તેમાં ફેરફાર કરવા અગર જુનું કેન્સલ કરી નવું બનાવવું.
(૧૪) પતિ-પત્નિમાંથી એકનું મૃત્યુ થાય ત્યારે બીજી વ્યક્તિ માટે પોતાના વીલમાં ફેરફાર કરવો જરૂરી બની જતો હોય છે.
(૧૫) વીલની વિગત-લખાણ સરળ હોવું જોઈએ. કારણ વગરની બીનજરૂરી શરતો ઉમેરીને જટિલ ન બનાવવું, જેથી પાછળથી તેના વહીવટમાં સરળતા રહે.
(૧૬) જો વધારે મીલ્કતો હોય તો, પરદેશમાં ખૂબ જ પ્રચલીત છે અને હવે અહીં પણ શરૂ થયેલ છે તે ટ્રસ્ટ બનાવીને મિલ્કતો તેમાં ટ્રાન્સફર કરવાની પધ્ધતિ અમલમાં મુકી શકાય. પોતાની હાજરીમાં ટ્રસ્ટ દ્વારા મીલ્કતોનો વહીવટ થઈ શકે અને ગેરહાજરીમાં તેના લાભાર્થીઓ વચ્ચે મીલ્કતો વહેંચી શકાય છે. અગર લાભાર્થીઓ દ્વારા તેનો વહીવટ થઈ શકે છે. આ અંગે વકીલની સલાહ લેવી.
(૧૭) હાલના કાયદા મુજબ વારસદારોને જે મીલ્કતો મળે છે તેના ઉપર એસ્ટેટ ડ્યુટી લાગતી ન હોય કોઈ ટેક્ષ ભરવો પડતો નથી.
(૧૮) વીલ બનાવવામાં નાણાંકીય મૂલ્ય ક્યારેક ભાવાવેશની એટલે કે લાગણી-ઊર્મિઓની કિંમત વધુ હોય છે.
(૧૯) ઘણી વખત ખોટી માન્યતા હોય છે કે મારી પાસે એટલી મિલ્કતો જ નથી તો વીલની શું જરૂર પડવાની છે ? હકીકતમાં તમારી મિલ્કતોનું લીસ્ટ બનાવીને તેમાં હાલની માર્કેટ વેલ્યુ મુકશો તો કદાચ નવાઈ લાગે તેટલું મૂલ્ય તમારી મીલ્કતોનું છે તે જાણમાં આવશે. જેમ કે મકાન, કાર-સ્કુટર, ફર્નીચર, જવેલરી, બેંક ખાતાની બચતો, અન્ય રોકાણો (શેર, મ્યુ. ફંડ વિ. વિ.) ના મૂલ્યમાંથી જવાબદારીઓ (દેવું) બાદ કરતાં ક્યારેક ૫, ૨૫ કે ૫૦ લાખ કરતાં વધારે મીલ્કતોનો આંકડો થઈ જતો હોય છે.
(૨૦) પતિ-પત્નિના જોઈન્ટ નામની મિલ્કતનો એકના મૃત્યુ બાદ તેનો ભાગ બીજાને ઓટોમેટીક મળી જાય, પરંતુ તેમના પણ મૃત્યુ બાદ શું? અને તમારા બાળકોને શું મળશે ? આ ઉપરાંત પત્નિને આ મિલ્કતોનો વહીવટ કરવા માટે કેટલું નાણાંકીય-વહીવટી જ્ઞાન છે તે પણ વિચારવું રહ્યું.

મોટા ભાગના કેસમાં અનુભવ્યું છે કે વીલ બનાવવામાં સૌથી મોટો ફાયદો એ રહે છે કે વ્યક્તિને પોતાની સંપત્તિ અંગે સ્પષ્ટ ખ્યાલ આવે છે. ઉપરાંત સંપત્તિ અંગેનાં અધુરા કાર્યો તુરંત પુરા કરવા પ્રેરણારૂપ બને છે.

વીલ તુરંત જ બનાવવા ફરી ખાસ અપીલ છે.