ફાયનાન્શીયલ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> મ્યુચ્યુઅલ ફંડ   >> રોકાણ પરત ક્યારે લેવું ?

રોકાણ પરત ક્યારે લેવું ?

ઈક્વીટીના રોકાણકારો માટે સૌથી મુંઝવતો પ્રશ્ન હોય તો તે છે મારે મારા શેર કે મ્યુ. ફંડ ના યુનિટ્સ ક્યારે વહેંચવા ? ‘એક્ટીવ પોર્ટફોલીયો મેનેજમેન્ટ’ ના ઓઠા હેઠળ રોકાણકર્તાને ઘણી વખત વારંવાર શેર/મ્યુ. ફંડ ખરીદ-વેંચાણની સલાહ મળતી હોય છે. ઘણી વખત રોકાણકર્તા પ્રશ્ન ઉઠાવતાં નજરે પડે છે કે ખરીદી માટેની સલાહ/સંદેશો મારા માથા ઉપર કાયમ પીટાતો હોય છે પરંતુ ભાગ્યે જ વહેંચવાની સલાહ-સંદેશ મળતો હોય છે. કદાચ આ રેશીયો ૧૦ : ૧ થી પણ વધુ હશે. જો આપ ટી.વી.ની બિઝનેશ ચેનલ ઉપર એક કલાક સુધી દલાલની/એક્સપર્ટની ભલામણ જોશો તો ઉપરોક્ત સત્ય સહેલાઈથી સમજાઈ જશે.

આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ રોકાણ પરત માટેનો યોગ્ય સમય કઈ રીતે નક્કી કરી શકાય ? થોડી ક્ષણ વિચાર કરો.
સામાન્ય રીતે વહેચાણનો નિર્ણય નીચે મુજબના સાત સંજોગોને આધીન હોય છે.

૧. તમારા લક્ષ્યાંક માટે તમારે પૈસાની જરૂર પડે છે:-
તમોએ મકાન બનાવવા, ફરવા જવા માટે બાળકોના ભણતર માટે જે લક્ષ્યાંક રાખી બચત કરેલ હોય તે સમય નજીક આવી ગયેલ હોય ત્યારે, સામાન્ય રીતે ગોલનાં ૬ કે ૧૨ મહિના પહેલાં ઉભું થયેલ ભંડોળને ઈક્વીટીમાંથી બેંક એફ. ડી. કે મ્યુ. ફંડના ક્લોરીંગ રેઈટ જેવા ડેટ ઇન્સટ્રુમેન્ટમાં રોકાણને તબદીલ કરવું જરૂરી છે. જો આ સમયે સંજોગો વસાત માર્કેટ નીચી હોય તો તમે શાંતિથી વિચારો કે તમારી સંપત્તિના અન્ય સ્ત્રોતની ટેમ્પરરી મદદથી ગોલ પુરો કરી શકો તેમ છો ? અને જો કરી શકતાં હોય તો પણ માર્કેટ ઉંચી આવે ત્યાં સુધીના વધારાના સમય માટે રાહ જોઈ શકો તેમ છો ? આ નિર્ણય વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ લેવાતો હોય છે. જેમાં ‘જોખમ ઉઠાવવાની’ ક્ષમતા અને માનસિકતા મહત્વનો ભાગ ભજવતી હોય છે.

૨. તમારી પર્સનલ આકસ્મિક જરૂરિયાત માટે :-
તમારા ‘કન્ટીજન્સી ફંડ’ કરતાં પણ ઘણા વધારે ફંડની તાત્કાલીક જરૂરીયાત ઉભી થાય તેવા આકસ્મિક સંજોગોમાં કે જ્યારે બોન્ડ, પી. પી. એફ. કે પોસ્ટ ઓફીસના સાધનોમાં કરેલ રોકાણ ‘લોક-ઈન-પીરીયડ’ માં હોય ઉપાડી શકતા તેમ ન હોય ત્યારે સૌથી ઓછું (ખરાબ) વળતર આપતાં ‘ઈક્વીટી’ ના શેર કે મ્યુ. ફંડમાંથી નાણાં ઉભા કરવાનું વિચારી શકાય.

૩. સંતોષકારક વળતરનો અભાવ :
ક્યારેક એવો સમય આવતો હોય છે કે માર્કેટ કરતાં તમારા રોકાણનું વળતર ઓછું રહેતું હોય ત્યારે તેમાંથી રોકાણ પાછું લઈ શકાય. આ નિર્ણય સમયે એટલું ખાસ યાદ રાખવું કે જો તે ફંડનો લાંબાગાળાનો ભૂતકાળ ‘જોખમ આધારિત સારા વળતરનો ટ્રેક રેકોર્ડ’ ધરાવતો હોય તો ફંડ મેનેજરને ૧૦-૧૨ મહિનાનો સમય આપવો જરૂરી છે. ઘણી વખત તેઓએ ખૂબ જ સારા શેર શોધી કાઢી તેમાં લાંબાગાળાનું રોકાણ કરેલ હોય અને માર્કેટ વધવાની સાથે તે શેર ઓછા જાણીતા હોય તેનો ભાવ શરૂઆતમાં માર્કેટ સાથે ન વધે પરંતુ જ્યારે અન્ય લોકોનું ધ્યાન તે આકર્ષક શેર ઉપર પડે ત્યારે તે ખૂબ જ ઝડપથી વધી માર્કેટ કરતાં પણ સારું વળતર આપતાં હોય છે.

માર્કેટ કરતાં ઓછા વળતરનાં કારણો જાણવા જરૂરી છે જેમ કે
 • ફંડ મેનેજર દ્વારા ઓછા ક્ષેત્રના/પ્રકારના શેરોમાં મોટું રોકાણ થઈ ગયું નથી ને ?
 • ફંડ મેનેજર બદલાયેલ નથી ને ?
 • ખોટા સમયે મોટું ખરીદ / વેંચાણ થયેલ નથી ને?
 • સમાન્ય રીતે ફંડ જ્યારે ખૂબ જ સારું વળતર આપતું હોય છે ત્યારે તેમાં રોકાણકારો દ્વારા ખૂબ જ મોટા પાયે નાણાં પ્રવાહ ઠલવાતો હોય છે અને ત્યારે ફંડ મેનેજરના રોકાણ કરવા માટેના યોગ્ય સમય / શેરના નિર્ણય સુધી તે રકમ ફંડના પોર્ટફોલીયોમાં ઓછું / નહિવત વળતર આપતી ‘કેશ’ માં રાખવી પડતી હોય છે. તેની અસર પણ ફંડના પરફોર્મન્સ ઉપર પડતી હોય છે.

  ડાયરેક્ટ શેરમાં રોકાણ કરેલ હોય અને ભાવ માર્કેટની સરખામણીમાં ઓછા રહેતા હોય ત્યારે વિચારવું પડે કે તે શેરમાં રોકાણનો નિર્ણય શા કારણથી લીધો હતો ? અને તે કારણ હાલ પણ એટલું જ અસરકારક છે ? જેમ કે ખૂબ જ કાર્યક્ષમ મેનેજમેન્ટ ટીમ, લાંબાગાળાની કમાણીનો વિકાસ, નવી શોધ કે આગવી પ્રણાલી.આ બધી બાબતો અંગે ઓછા ભાવ / વળતરના સમય દરમ્યાન તમોને તે કંપની કે ફંડ અંગે વિશ્વાસ હોય તો તે ફંડ કે શેરમાં વધારાનું રોકાણ પણ વિચારી શકાય.

  ૪. તમારા વળતરનો ધ્યેય પૂરો થતાં :-
  ઘણાં લોકો રોકાણ સમયે વળતર અંગે ગોલ નક્કી કરતાં હોય છે જેમ કે ૧૫% કે ૨૦%, અને જ્યારે તેમનું રોકાણ તે અપેક્ષિત અગર તેનાથી પણ વધુ વળતર આપતું હોય ત્યારે રોકાણ પરત લેતાં હોય છે. પરંતુ ત્યાર બાદ તે રકમનું રોકાણકાર શું કરશે ? સામાન્ય રીતે માર્કેટ નીચી જવા માટેની રાહ જોતા હોય છે પરંતુ જ્યારે માર્કેટ અમુક સંજોગોને કારણે જેમ કે વધુ પ્રમાણમાં પૈસાની તરલતા કે માર્કેટની મજબુતાઈને કારણે ઉપર જ જતી રહેતી હોય ત્યારે ?

  જો વ્યક્તિએ પોતાના અન્ય ગોલ સાથે આ રકમને જોડી હોય તો આ રકમ ડેટ ફંડમાં તબદીલ કરી શકે છે. યાદ રહે તે રોકાણ પણ બહુ લાંબાગાળાનું ન હોવું જોઈએ. નહીંતર ફરી ‘વળતર’ કરતા ‘મોંઘવારીનો દર’ વધુ રહેતો હોય મૂડીમાં ઘસારો શરૂ થવાનું બની શકે છે.

  ૫. જ્યારે માર્કેટ ખૂબ જ ઉંચી લાગતી હોય :-
  ઘણી વખત રોકાણકર્તાને જે તે સમયની માર્કેટનું વેલ્યુએશન ખૂબ જ ઉંચુ લાગતું હોય છે અને માનતા હોય છે કે માર્કેટને નીચે આવ્યે જ (પટકાયે) જ છુટકો છે ત્યારે રોકાણ પરત લેવાનું વિચારતાં હોય છે. પરંતુ આ બહુ પેચીદો પ્રશ્ન છે. તેનો સીધો અર્થ એ થાય છે કે રોકાણકાર આસાનીથી માર્કેટ ટાઈમીંગ કરી શકે છે અને તેનું ‘ટોપ’ કે ‘બોટમ’ જાણી શકે છે. બધા લોકો આ બાબતની શક્યતા અંગેની માન્યતા ધરાવતાં હોવા છતાં હકીકતમાં તે સત્યથી ખૂબ જ દૂર છે. તેજીની શરૂઆતમાં સેન્સેકસ ૬૦૦૦ થી ૧૦૦૦૦ પહોંચ્યો ત્યારે તે ફરી ૬૦૦૦ સુધી આવશે તેની રાહમાં ઘણા રોકાણકારો રોકાણથી વંચીત રહી ગયેલ. તેવી જ રીતે ૧૦૦૦૦ થી પણ ઝડપથી વધતો જતો હોય ત્યારે, ૧૫૦૦૦ ઉપર ભવિષ્ય ૨૦૦૦૦ દેખાતું હતું. ૨૦૦૦૦ કે ૨૧૦૦૦ ઉપર ફરી ૨૫૦૦૦ નું ટોપ દેખાતું હતું. અને ત્યાર બાદ એક વર્ષના ગાળામાં જ ૯૦૦૦ આસપાસના લેવલે ડર હતો કે હવે તો ૭૫૦૦ સુધી પટકાશે ?

  રોકાણકારને માર્કેટ ઉંચી લાગતી હોય અને રોકાણ ને વહેંચવાનો નિર્ણય કરે અને માર્કેટ ૨૦% વધે ત્યારે રોકાણકાર ખૂબ હતપ્રદ થતો જોવા મળે છે. તો શું તેણે લીધેલ નિર્ણય ખરેખર ખોટો હતો ? આનો કોઈ સચ્ચોટ જવાબ નથી કારણ કે તે દરેક રોકાણકાર માટે અલગ અલગ હોઈ શકે છે. આ નિર્ણય ઉપરથી તમારે તમારું મૂલ્યાંકન કરવાની જરૂર નથી. માર્કેટ ૨૦% નીચી પણ જઈ શકી હોત. ટુંકમાં ઓવરવેલ્યુ માર્કેટમાં કમ સે કમ ખરીદવાના નિર્ણય કરતાં વહેંચવાનો નિર્ણય સારો પૂરવાર થશે.

  ૬. પોર્ટફોલીયાને રિ-બેલેન્સ ક્યારે કરવો ?
  ‘એસેટ્સ એલોકેશન’ એ ખૂબ જ અગત્યની બાબત છે અને જીન્દગી આખી દરેક રોકાણકારો માટે તેને વળગી રહેવું જરૂરી છે. કારણ કે ‘સંપત્તિ’ બનાવવાના પ્રયાસમાં તેનો ફાળો ૯૦%થી પણ વધુ મહત્વનો રહેતો હોય છે તે પૂરવાર થયેલ હકીકત છે. માટે સમય / સંજોગો અનુસાર વર્ષમાં એક કે બે વખત ઈક્વીટી / ડેટનું પ્રમાણ જાળવવા કુલ સંપત્તિનું ખરીદ-વેંચાણ કરી શકાય.

  ૭. જ્યારે અન્ય કોઈ સારી તક ઉપલબ્ધ હોય ત્યારે :-
  આ કારણને લીધે રોકાણકર્તા પોતાના રોકાણને પરત લેતાં સૌથી વધુ જોવા મળે છે. અને પોતાના પોર્ટફોલીયોમાં ફેરફાર (Changing) કરતાં માલુમ પડે છે. Webster ડીક્ષનરીમાં Charming નો meaning સરસ આપેલ છે. “To make (the account of a client) excessively active by frequent purchases and sales primarily in order to generate commissions.”

  ટુંકમાં, કમીશનની અપેક્ષાએ અસીલના રોકાણના પોર્ટફોલીયોમાં જરૂર કરતાં વધારે વારંવાર ખરીદ-વેચાણ કરાવવું.

  ઉપરોક્ત બાબત લક્ષમાં લઈ જો તમોને સાચે જ એવું લાગતું હોય કે રોકાણ બાબત તમે ભરાઈ પડ્યા છો અને ભૂલ થઈ ગઈ છે ત્યારે રોકાણ ઉપાડી બીજા સારા વિકલ્પો અંગે વિચારી નિર્ણય કરો અગર તમારું રોકાણ જરૂર પડ્યે ખપ માટે યથાસ્થાને રાખી મુકવું હિતાવહ છે. બીજી તરફ રોકાણના જગતમાં પણ ‘વફાદારી’ ની કિંમત હોય છે કેમ કે તેનાથી તમારા રોકાણના ખર્ચ અને ટેક્ષની બચતને કારણે વધુ વળતર પ્રાપ્ત કરી શકાય છે.

  હવે તમો તમારા રોકાણને ક્યારે ઉપાડી લેવું તે નિર્ણય માટે કન્ટ્રોલ ધરાવો છો. વેંચાણના નિર્ણય કરતાં પહેલાં તેને લગતાં ખર્ચા-ટેક્ષ વિ. અંગે વિચારી શકો છો. તે ઉપાડેલ રોકાણનું શું કરવું - કયાં ફરીથી રોકાણ કરવું વિગેરે બાબતો અંગે પણ વિચારી શકો છો. તેમ છતાં વિશ્વના મહાન રોકાણકર્તા વોરેન બફેટ (Warren Buffett)નું વાક્ય મમળાવવા જેવું છે. Our favourite holding period is FOREVER.